(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૫
વડોદરાનાં ઉદ્યોગપતિ અને રાજ્યનાં મંત્રી સૌરભ પટેલનાં માનીતા ગણાતા અમિત ભટનાગરની ગોરવા બીઆઇડીસી ખાતે આવેલી ઓફિસ, રણોલી અને જરોદ ખાતેની કંપની તેમજ નિવાસ સ્થાન પર સીબીઆઇની ટીમોએ આજે દરોડા પાડતાં શહેરની ઔદ્યોગીક આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત થતી વિગત અનુસાર અમિત ભટનાગરને લોન આપનાર બેંકો પૈકી લીડ બેંક ઓફ ઇન્ડીયાએ આપેલી ફરિયાદને આધારે સીબીઆઇએ દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમિત ભટનાગરની કંપની ડાયમંડ પાવર એન્ડ ઇન્ફ્રા પર હાલમાં રૂપિયા ૨ હજાર કરોડ કરતાં વધારે દેવુ છે. તાજેતરમાં અમિત ભટનાગરે પોતાનાં ગ્રુપની એક કંપની ડાયમંડ પાવર માટે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે નાદારી જાહેર કરેલી છે. આ પહેલા અમિત ભટનાગરે શહેરનાં અટલાદરામાં બાંધેલા નોર્થ-વે આર્ટેરિયમનાં બે માળ મુંબઇની ફાઇનાન્સ કંપની સીકોમે (સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર) એ કબ્જે લીધા હતા. આ બે ફલોર ગીરવે મુકીને અમિત ભટનાગરે તેમની કંપની ડાયમંડ પાવર માટે ૪૦ કરોડની લોન લીધી છે. સીકોમ કંપનીનો દાવો છે કે, અમિત ભટનાગરે લોનની બાકી પડતી ૩૩ કરોડની રકમ ભરપાઇ કરી નથી. અને તેનાં કારણે આ પ્રોપટીનું પઝેશન લેવામાં આવ્યું હતું.
અમિત ભટનાગર પાસે બેંકોએ ૨ હજાર કરોડની રકમ લેવાની નિકળે છે. તેમજ ૮૦૦ કરોડની બાકી લોન પેટે બેંકોને કંપનીનાં શેર આપ્યા હતા. આ શેરનો ભાવ પણ હાલમાં ગગડી ગયો હોવાથી બેંકોનાં ૫૦ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ચુકયું છે. આ આર્થિક લોન પ્રકરણાં સીબીઆઇએ દરોડા પાડી તેમની મિલ્કત ઉપર સર્ચ કરી હોવાનું જાણવા મળ્યું છે.