વડોદરા, તા.૨
હાલ કોરોના વાયરસની મહામારીથી લોકો ત્રાહિમામ છે ત્યારે કેટલાક લોકો એવા છે કે જેમણે આ જીવલેણ બીમારીને માત આપી લોકોમાં એક આશા જગાવી છે કે, કોરોનાથી લડી શકાય છે અને તકેદારી રાખવામાં આવે તો તેનાથી જીતી પણ શકાય છે. શહેરના કડુની પાગા વિસ્તારના આવેલ આદિલ કોમ્પલેક્સમાં રહેતા મોઇનુલ મલેક નામનો યુવાને કોરોના વાયરસને હરાવી પોતાના જીવનના આ અનુભવ વિશે ગુજરાત ટુડે સાથે વાતચીત કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં મોઇનુલ મલેકે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના એક યુવાનના સંપર્કમાં હું આવ્યો હતો જેનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની મને જાણ તથા મેં તાત્કાલિક મારા પિતા અને કાકા સાથે વાત કરી મારે ટેસ્ટ કરાવવો છે તેમ જણાવ્યું હતું. મારા પિતા તથા કાકા આરીફ મલેક મને તાત્કાલિક કોરોના વાયરસના ટેસ્ટ માટે લઇ ગયા હતા. ટેસ્ટ કરાવ્યા બાદ બીજા દિવસે મારો રિપોર્ટ પોઝિટિવ આવતા મને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં મને ડૉ. ચિરાગ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ખૂબ સારી સારવાર આપવામાં આવી હતી. કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ લોકોનું મનોબળ તૂટતું જોવા મળ્યું હતું. પરંતુ મેં મારૂ મનોબળ મજબૂત કરી લીધુ અને હવે મારે કોરોનાથી લડી તેને હરાવવું છે તેવો દ્રઢ નિશ્ચય કરી લીધો હતો. થોડા દિવસમાં મને ગોત્રી હોસ્પિટલથી અજવા રોડ સ્થિત ઇબ્રાહિમ બાવાણી આઈટીઆઈ સેન્ટર ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો. જ્યાં મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશનના ડૉ. મોહમ્મદ હુસેન, ઓએસડી ડૉ.વિનોદ રાવ અને તેમની ટીમ દ્વારા મને અને અન્ય દર્દીઓની ખૂબ કાળજી રાખી સારવાર કરવામાં આવી હતી. કોરોના વાયરસને માત આપી હું મારા ઘરે પહોંચ્યો તો વિસ્તારના લોકોએ મને બિરદાવ્યો હતો.