વડોદરા, તા.ર૬
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવમાંથી ૩૧ જેટલા કાચબા મૃત હાલતમાં મળી આવ્યા છે. આજે સવારે તળાવમાં કાચબા તરતા જોઈને સ્થાનિક લોકોએ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને જાણ કરી હતી. જેથી તેમની ટીમ પહોંચી ગઈ હતી અને વન વિભાગની ટીમ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને મૃત કાચબાઓને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.
વડોદરા વન વિભાગના આરએફઓ નિધિબેને જણાવ્યું હતું કે, કાચબાના મૃત્યુ થયા હોવાનો આજે સવારે મેસેજ મળતા અમે સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં ૩૧ જેટલા કાચબાના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. કોઈ વ્યક્તિએ વિસ્ફોટક પદાર્થ ફોડવાના કારણે કાચબાના મૃત્યુ થયા હોવાનું મનાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કાચબાના મૃત્યુનુ ચોક્કસ કારણ બહાર આવશે. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના અગ્રણી રાજ ભાવસારે જણાવ્યું હતું કે, તળાવના કિનારે કોઈ વ્યક્તિએ વિસ્ફોટક પદાર્થ ફોડતા આ કાચબાઓનું મરણ થયું છે. કાચબા શિડ્યુલ-૧નુ પ્રાણી છે જેથી ગંભીર બાબત છે જેથી આ મામલે કાર્યવાહી થવી જોઈએ. માછીમારી માટે તળાવો આપવામાં આવે છે આ તળાવ કોને આપવામાં આવ્યું હતું તે તપાસનો વિષય છે.