વડોદરા, તા.૨૫
વડોદરા શહેરના કમાટીબાગ પાસે ફૂટપાથ પર રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીના શરીર ઉપર એસિડ છાંટી દીધું હતું ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
વડોદરા શહેરના કમાટીબાગ પાસેના ફૂટપાથ ઉપર સન્ની દંતાણી પત્ની ભારતી અને બે સંતાનો સાથે રહે છે. સવારે પતિ-પત્ની વચ્ચે ેંમજૂરીના કામ બાબતે ઝધડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીના શરીર પર એસિડ છાંટી દીધું હતું. શરીર ઉપર એસિડ પડતાં ભારતીએ ચીંસો પડતાં પસાર થતાં લોકો દોડી ગયા હતા અને ભારતીને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. બીજી બાજું સ્થાનિક લોકોએ આરોપી સન્નીને પકડી રાખી પોલીસને જાણ કરી હતી અને પત્ની ઉપર એસિડ છાંટનાર તેમજ બે માસૂમ બાળકોને પોલીસમથકમાં લઈ ગઈ હતી. પોલીસે સન્ની સામે પત્ની ઉપર એસિડ એટેકનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.