(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
શહેરના કમાટીબાગ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા દારૂની રેલમછેલ થઇ હતી. આ અકસ્માતમાં કાર ચાલક અને બાઇક સવાર બે યુવકોને ઇજા પહોંચતા ત્રણેવ જણાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સયાજીગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના પોલો ગ્રાઉન્ડ પાસેની રાજદિપ સોસાયટીમાં રહેતો રીક્કી મહેશભાઇ તિવારી ગત મંગળવારની રાત્રે કાર લઇને પુરપાટ ઝડપે કાલાઘોડાથી ફતેગંજ તરફ જઇ રહ્યો હતો. તે દરમ્યાન કાર ચાલકે કમાટીબાગના ગેટ નં.૩ પાસે ટર્ન લીધો હતો. આ સમયે બાઇક પર જઇ રહેલાં અતુલ પ્રતાપભાઇ ઠાકોરડા (ઉ.વ.૧૯) અને તેના મિત્રને અડફેટમાં લીધા હતા. કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કાર પલ્ટી ખાઇ ગઇ હતી. જેથી કારમાં ભરેલી દેશી દારૂની પોટલીયો રસ્તા પર આવી ગઇ હતી. જેને પગલે રોડ પર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. આ અકસ્માતમાં કાર ચાલક રીક્કી અને બાઇક પર સવાર બંને યુવકોને ઇજાઓ પહોંચતા ત્રણેવ જણાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક જણાની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.