વડોદરા, તા.૧૪
માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં એ-૧૨૪, સહજાનંદ ડુપ્લેક્ષમાં પાર્થ નીતિનભાઈ ચરપટનો પરિવાર રહે છે. તેઓ ખાનગી કંપનીમાં સોલાર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. સોમવારે મોડી રાત્રે તેઓ અને તેમના પરિવારજનો સુઈ ગયા હતા. તે દરમિયાન મકાનના આગળના રૂમમાંથી અવાજ આવતા પાર્થ જાગી ગયો હતો અને રૂમમાં નજર કરતા બે યુવાનોને જોઈ ચોંકી ઉઠ્યો હતો. પાર્થ ચરપટે ચોરને જોઈ તુરંત જ ઘરમાં પડેલી દેગડીને લઈને તસ્કરો ઉપર છૂટો ઘા કરી પડકાર ફેંક્યો હતો. તેના જવાબમાં બે તસ્કરો પૈકી એક તસ્કરે તેઓના માથામાં લાકડીનો ફટકો માર્યો હતો. લાકડીનો ફટકો માથામાં વાગતા પાર્થે બુમો પાડવા લાગતા બંને તસ્કરો ફરાર થઈ ગયો હતા. આ સાથે સોસાયટીના લોકો પણ ભેગા થયા હતા અને ઈજાગ્રસ્ત પાર્થને કલાલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો, જ્યાં તબીબો દ્વારા ૬ ટાકા લઈ પ્રાથમિક સારવાર આપી હતી.