વડોદરા,તા.ર૭
વડોદરા શહેર આસપાસના ૭ ગામના વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ લઈને છેલ્લા કેટલાક દિવસથી વિરોધનો વંટોળ ઉભો થયો છે. વડોદરા નજીક ભાયલી ગામના રાયપુરા અને પાદરા જવાના માર્ગ પર ર૦૦ જેટલા ગ્રામજનોએ ચક્કાજામ કરીને વિરોધ વ્યકત કર્યો હતો અને ભાયલી બચાવો અને કોર્પોરેશન હટાવોના સૂત્રોચ્ચારો કર્યા હતા. ડભોઈના ભાજપ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ વિરોધમાં જોડાયા હતા. આજે શનિવારે બપોર બાદ બિલ ગામનો લોકોએ પણ વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ સામે પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. બિલ ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને થાળી વગાડીને વિરોધ કર્યો હતો અને પાલિકામાંથી બિલ ગામને હટાવવાની માગ કરી હતી. રાજય સરકાર દ્વારા વડોદરા શહેરની આસપાસના ૭ ગામને પાલિકામાં સમાવેશ બાદ સાતેય ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને રોજેરોજ વિરોધ કરી રહ્યા છે.