(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
શહેરના સંપતરાવ કોલોનીમાં હોસ્પિટલ ધરાવતા ડોક્ટરે જાનને જોખમ થાય તેવું બિનજરૂરી ઓપરેશન કર્યું હોવાની ફરિયાદ દર્દીએ ગોત્રી પોલીસ મથકમાં તબીબ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત મેડીકલ પ્રેકટીસનર્સ એકટની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર અકોટા વિસ્તારના દિનેશ રોડ પર આવેલ સત્યમ શિવમ સુંદરમ ફલેટમાં રહેતાં દનેશભાઇ રોહિતભાઇ શાહને ડાયાબીટીસ તથા બ્લડપ્રેશરની બિમારી હોઇ તેઓ અલકાપુરી વિસ્તારની સંપતરાવ કોલોનીમાં હોસ્પિટલ ધરાવતા ડોકટર તપન શાહની સારવાર લઇ રહ્યાં હતાં. ડા. તપન શાહ એ બિમારીનો સચોટ ઇલાજ કરવા માટે દનેશભાઇ શાહના વિવિધ મેડીકલ રીપોર્ટ કરાયા હતા. અને અંતે દર્દીને બેરીયાટ્રીક-મેટાબોલીકનું ઓપરેશન કરાવવાનું કહ્યું હતું. જેથી દર્દી આ ઓપરેશન કરાવવા માટે તૈયાર થયા હતા. ગત તા.૯મી જુન-૨૦૧૬ ના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તબીબે બેરીયાટ્રીક-મેટાબોલીકનું ઓપરેશન કરવાની જગ્યાએ ગેસ્ટ્રો-જુજુનોસ્ટ્રોમીનું ઓપરેશન કરી નાખ્યું હતું. આ ઓપરેશનની જરૂર ન હોવા છતાં દર્દીના જાનને જોખમ થાય તેવું બિનજરૂરી ઓપરેશન કરી દર્દીને રૂા.૧૮ થી ૧૯ લાખનું આર્થિક નુકસાન કરી માનસિક શારીરિક પીડા પહોંચાડી હતી. તાજેતરમાં દર્દીને આ રોગ અંગે અન્ય તબીબને બતાવતા ડા. તપન શાહ એ બીજુ ઓપરેશન કર્યું હોવાનું બહાર આવતા દર્દીએ ડા.તપન શાહ સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.