(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૦
શહેરના વિવિધ ૩ વિસ્તારોમાં ૩ મકાનોને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ વિવિધ પોલીસ મથકોએ નોંધાઇ છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર કારેલીબાગ અંબાલાલ પાર્ક વિસ્તારમાં આવેલ તુલસી એપાર્ટમેન્ટમાં રહેતા સપનાબેન ઉર્ફે સુનિતાબેન ગોવિંદભાઇ પરમાર સયાજી હોસ્પિટલમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવે છે. ગત મોડીરાત્રે તેમના બંધ મકાનનાં તાળા તોડી તસ્કરો મકાનમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના તથા રોકડ ૮૬ હજાર મળી કુલ ૩.૮૭ લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી કર્યા બાદ તસ્કરો આજ એપાર્ટમેન્ટમાં રહેતાં રજનીકાન્તભાઇ બારોટનાં બંધ મકાનમાં ત્રાટક્યા હતા અને મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને ૩૫ હજારની રોકડ રકમ મળી કુલ ૧.૨૩ લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
બીજા બનાવમાં છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલ સારા એપાર્ટમેન્ટમાં રહેતા મંગલેશ્વર પિલ્લાઇભાઇ સાવલી-મંજુસરમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેમના મકાનમાં કબાટનાં ડ્રોઅરમાંથી સોનાનાં દાગીનાની મળી કુલ ૯૮ હજાર કિંમતની ચોરી થતા તેમને આ બનાવ અંગે ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.