વડોદરા, તા.૧૧
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારની જમીનના વળતરનો વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. જે અંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ વડોદરાના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં વડોદરા શહેરમાં રસ્તાઓ કરવાની કામગીરીમાં કેટલાને વળતર ચૂકવવાનું થશે. તેની માહિતી મેળવી હતી અને એક સર્વગ્રાહી નીતિ બનાવવા સૂચના આપી હતી. જેથી હાલ પૂરતો દંતેશ્વરની જમીનમાં વળતર ચૂકવવાનો મુદ્દો અભરાઈ પર ચડાવી દેવામાં આવશે તેમ માનવામાં આવે છે. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, વર્ષો પૂર્વે વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રસ્તા રેષા ની કામગીરી દરમ્યાન કપાત જમીનના હાલની બેવડી જંત્રી પ્રમાણે રકમ ચૂકવવા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ની ભલામણથી આવેલી દરખાસ્ત વડોદરા શહેર માટે ચર્ચાનો વિષય બની હતી કારણકે જો આ દરખાસ્ત મંજુર કરવામાં આવે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ જ મોટું નુકસાન પહોંચી શકે છે જેના કારણે આ દરખાસ્ત વિવાદનું કારણ બની હતી. સતત ત્રણ વખત સ્થાયી સમિતિમાં દંતેશ્વરની જમીન વળતર અંગે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી તે મુલતવી રાખવામાં આવી હતી. આ દરખાસ્ત મંજુર કરવામાં આવે તો અગાઉના તમામ અસરકતાર્ ને હાલની જંત્રી પ્રમાણે રકમ ચૂકવવાની થાય તો ૪૦૦ કરોડનું નુકસાન કોર્પોરેશનને વેઠવાનો વારો આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે જો આ કામ મંજૂર થાય તો ૨૦૧૩-૨૦૧૪ના કાયદા અગાઉ આશરે સને ૧૯૯૦થી આજદિન સુધી જે અસરકર્તા ઓને ઓછું વળતર આપ્યું છે. તે તમામને હાલની જંત્રી પ્રમાણે બમણી રકમ ચુકવવાનો વારો આવશે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. જે અંગે ગઈકાલે નર્મદા રાજ્યમંત્રી વિધાનસભાના સ્પીકર વડોદરાના મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ અને સંસદ સભ્ય ની ઉપસ્થિતિમાં જમીન વળતર અંગેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ વડોદરા શહેરના કયા રસ્તાઓ પહોળા કર્યા છે અને તેમાં જમીન-મકાન કે દૂખા ગુમાવનારા વ્યક્તિ કેટલા છે અને કેટલાને વળતર ચૂકવવું પડશે તેની માહિતી માંગતા કોર્પોરેશન તરફથી સમગ્ર માહિતી મુખ્યમંત્રી રજૂ કરવામાં આવી હતી. ચર્ચા-વિચારણા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જમીન વળતરના કિસ્સામાં માત્ર એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ જે વ્યક્તિઓએ જમીન મકાન દુકાન ગુમાવી છે તે તમામને જમીન વળતર મળે તે પ્રમાણેની સર્વગ્રાહી નીતિ નક્કી કરવી જોઈએ. મુખ્યમંત્રીની આ સૂચનાને કારણે હવે માત્ર દંતેશ્વરની એક જમીન માલિકને ફાયદો કરવાની દરખાસ્ત નામંજુર કરવામાં આવશે તેમ જાણવા મળે છે.