વડોદરા, તા.ર૪
વડોદરા શહેર નજીક દશરથ ગામ પાસે અક્ટિવાની અડફેટે દશરથ ગામના એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે એક્ટિવા ચાલક સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વડોદરા પાસે આવેલા દશરથ ગામમાં વણકરવાસમાં રહેતા પ્રકાશભાઈ તુલસીભાઈ પરમાર મંગળવારે મોડી સાંજે દશરથ ગામ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન રણોલીથી વડોદરા તરફ થઈ રહેલા એક્ટિવા ચાલકે અડફેટમાં લીધા હતા. એક્ટિવાએ પ્રકાશભાઈને ટક્કર મારતા એક્ટિવા ચાલક પ્રવિણભાઈ રમણભાઈ પઢિયાર (રહે.સિકોત્તર નગર-૧, માંજલપુર) અને એક્ટિવા પાછળ બેઠેલા અંબાલાલ વાલાભાઈ રોહિત (રહે. વિશાલનગર, તરસાલી) પણ રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માત બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ત્રણેયને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સયાજી હોસ્પિટલમાં દશરથ ગામના પ્રકાશભાઈ પરમારનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પ્રકાશભાઈના નાનાભાઈ નવિનભાઈ પરમારને થતાં તુરંત જ તેઓ સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા. આ સાથે છાણી પોલીસને બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.