(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
શહેરના નવાયાર્ડ ખાતે સુપ્રિમ પ્રોવીઝન સ્ટોર ધરાવતા અને રહેતા ૪૧ વર્ષના યુવાનનો ભેદી સંજોગોમાં ઘરમાંથી મૃત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની પ્રાપ્ત વિગત મુજબ જુના છાણી રોડ નવાયાર્ડ વિસ્તારમાં રહેતા અને કાસીમમીયા ઇસ્માઇલ મીયા શેખ (ઉ.વ.૪૧) સુપ્રિમ પ્રોવીઝન સ્ટોરમાં નોકરી કરતા હતા. તેમની પત્ની સાથે અણબનાવ બનતા તેમના પત્ની બાળકો લઇને પિયર ગોધરા જતા રહ્યા હતા તે બાદ ગોધરા સિવિલ કોર્ટમાં ભરણ પોષણનો દાવો દાખલ કર્યો હતો. જેને લીધે તેઓ ટેન્શનમાં આવી ગયા હતા. ગઇકાલ રાત્રે તેઓ જમીને સુઇ ગયા હતા. ત્યારબાદ બીજે દિવસે સવારે તેઓ ઉઠયા ન હતા. જેથી તેમનો ભાઇ સાદિક ઇસ્માઇલ તેને ઉઠાડવા માટે તેમજ મળવા માટે ગયો હતો. જ્યાં અંદરથી દરવાજો બંધ તેમજ ઘરમાંથી કોઇ જવાબ ન મળતા તેણે દરવાજો યેનકેન પ્રકારે ખોલ્યો હતો. મકાનની રૂમમાં પોતાનો ભાઇ કાસીમ શેખ બેભાન જેવી હાલતમાં પડેલો મળી આવ્યો હતો. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. ફતેગંજ પોલીસે બનાવ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.