વડોદરા, તા.૧૧
અમદાવાદમાં બાદ હવે વડોદરા શહેરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં એક જ દિવસમાં ૩૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અતયાર સુધી કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૯પ ઉપર પહોંચી ગઈ છે. વડોદરા શહેરમાં આજે સવારે ૧૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને સાંજે વધુ ૧૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોના વાયરસના ૯પ કેસ નોંધાયા છે. જેમાંથી ૯૩ કેસ માત્ર નાગરવાડા વિસ્તારના જ છે. જેને પગલે નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરીને કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાંથી હવે રોજ ર૦૦ સેમ્પલ લેવામાં આવશે.
ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે પત્રકારોને જણાવ્યું હતું કે રેડ ઝોન તરીકે સીલ કરવામાં આવેલા વિસ્તારોમાં આજે અને ગઈકાલે પોઝિટિવ કેસો આવ્યા છે તે અપેક્ષિત હતા. આ ચોંકાવનારી વાત નથી પણ ચિંતાની વાત જરૂર છે. આ વિસ્તારમાં ઘેર ઘેર ફરીને શંકાસ્પદ અને પોઝિટિવ કેસોના સ્વજનો અને કલોજ કોન્ટેકટના કેન્દ્રિત સેમ્પલો લેવામાં આવ્યા છે. હવે નવી વ્યૂહ રચના હેઠળ શહેરના વિસ્તારોને પરિસ્થિતિની ગંભીરતા અનુસાર રેડ ઉપરાંત ઓરેન્જ, યલો અને ગ્રીન ઝોનમાં વિભાજિત કરી સ્ક્રિનિંગ અને સેમ્પલિંગ જરૂરિયાત પ્રમાણે કરવામાં આવશે.
વધુમાં ઉમેર્યું કે નાગરવાડા અને તાંદલજાના રેડ ઝોન એ કન્ટેન્ટ મેન્ટ ઝોન અને કન્ફર્મ ઝોન છે. અહીં અન્ય નિયંત્રણોની સાથે અંદરથી બહાર જવાની મનાઈ છે. ઉપરોક્ત બંને ઝોનના સમીપ આવેલા ૯થી ૧૦ શહેરી વિસ્તારોને ઓરેન્જ ઝોનમાં મૂકી સસ્પેકટેડ ઝોન તરીકે જરૂરી સઘન તકેદારીઓ લેવામાં આવશે. શહેરની સ્લમ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોનો સમાવેશ યલો ઝોન કરાશે જે પ્રોટેક્ટેડ વિસ્તારો ગણાશે. આ વિસ્તારોમાં બહારથી અદર પ્રવેશની મનાઈ રહેશે. અહીં એક કેસ પણ જોખમી બની શકે એટલે એ પ્રમાણે યોગ્ય તકેદારી લેવાશે. ઘેર ઘેર સર્વેક્ષણ સહિત સાવચેતીના ઉપાયો અમલમાં મૂકવામાં આવશે. આ ઝોનિંગ કાયમી નથી અને રોજ બદલાતી પરિસ્થિતિની સમીક્ષાના આધારે એમાં ફેરફાર કરાશે.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી શ્રીજી સોસયાટીમાં સેવ ઉસળની પાર્ટી કરી રહેલા ૭ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી છે. પોલીસને પેટ્રોલિંગ દરમયાન સેવ ઉસળ પાર્ટીનો વોટસએપ મેસેજ મળ્યો હતો. સયાજીગંજ પ,ોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન પી.એસ.આઈ. એન.એમ. ભુરિયાના મોબાઈલ ઉપર શ્રીજી સોસાયટીમાં સેવ ઉસળની પાર્ટી ચાલતી હોવાનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાં જ પોલીસ પહોંચી ગઈ હતી.