વડોદરા, તા.૧૧
વડોદરા શહેરના રાજકીય આગેવાનો તેમજ વકીલો સાયબર ક્રાઇમનો શિકાર બન્યા બાદ હવે ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખુદ સાયબર ક્રાઇમનો ભોગ બનતા તેમણે તપાસ શરૂ કરાવી છે. વડોદરામાં થોડા સમય પહેલાં જ કોર્પોરેશનના મહિલા કોર્પોરેટર, કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ, અકોટાના ધારાસભ્ય તેમજ અન્ય આગેવાનો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હતા. જ્યારે વડોદરા વકીલ મંડળની વેબસાઇટ સાથે પણ ચેડાં થયા હતા. આ ઉપરાંત અનેક યુવક – યુવતીઓના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવતો હોવાના પણ કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે હવે પોલીસ પણ આવા કિસ્સાઓથી બાકાત રહી નથી. ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.ચૌધરીના નામે કોઈ ભેજાબાજે બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી તેમાં તેમનો ફોટો મૂકીને ફ્રેન્ડ્સ પાસે રૂપિયાની માંગણી કરતા મેસેજ મોકલતા એક મિત્રે તેમને જાણ કરી હતી. જેથી પોલીસ ઇન્સ્પેક્ટરે તુરત જ સોશિયલ મીડિયાના તેમના તમામ એકાઉન્ટમાં મિત્રોને એલર્ટ કરતા મેસેજ મૂકી દીધા હતા. તેમણે આ અંગે સાયબર સેલમાં જાણ કરી તપાસ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
Recent Comments