(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૦
શહેરમાં બે વખત આવેલા પૂર આવ્યા બાદ છેલ્લાં ઘણા દિવસથી પૂરઅસરગ્રસ્તોને આખો દિવસ લાઇનમાં ઊભા રહેવા છતાં કેશડોલની સહાય મળતી ન હોવાના આક્ષેપ સાથે આજરોજ સાંજે વડોદરા નાગરિક સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ગાંધીનગર ગૃહ ખાતે અસરગ્રસ્તોએ દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં પૂરની સ્થિતિના નિર્માણ થયા બાદ પુનઃ સ્થાપનનાં ભાગરૂપે વડોદરા શહેરના પૂરઅસરગ્રસ્તોને સરકારના નિયમો અને ધારા-ધોરણ પ્રમાણે રોકડ સહાય (કેશડોલ) અને ઘર વખરીનું વિતરણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ લગભગ ૧૦ દિવસથી આ માટે જરૂરી નાણાની ફાળવણી ના કરાતા લાભાર્થીઓને કેશડોલની સહાય ન મળતા ભારે મુશ્કેલી અને હાલાકી વેઠી રહ્યા છે. સોમવારે પણ પૂરઅસરગ્રસ્તો દ્વારા કેશડોલની સહાય ન મળતા કલેક્ટર કચેરી બહાર ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે પણ પૂર અસરગ્રસ્તો વડોદરા નાગરિક સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ગાંધીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમજ બેનરો અને પ્લે કાર્ડો સાથે વહીવટી તંત્ર તેમજ સરકાર વિરૂદ્ધ દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ પૂર અસરગ્રસ્તોને તાત્કાલીક અસરે યોગ્ય સહાય મળી રહી તેવી માગણી કરી હતી.