વડોદરા, તા.૨

ફતેગંજના શેખ બાબુ કસ્ટોડિયલ ડેથમાં સીઆઈડી ક્રાઈમ સમક્ષ હાજર થયેલા આરોપી પીઆઈ, પીએસઆઈ અને ચાર કોન્સ્ટેબલોનો નાર્કોટેસ્ટ કરાવવામાં આવે તેવી માંગ મૃતકના પુત્રએ કરી છે. તેણે સમગ્ર મામલામાં પીઆઈની સૂચના મુજબ સમાંતર તપાસ કરનારા પીએસઆઈને પણ સહ આરોપી બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. બીજી તરફ મૃતકનીં લાશ શોધવી તે સીઆઈડી માટે પણ પડકારરૂપ બને તેમ છે.

તપાસમાં બહાર આવ્યું હતું કે, શેખ બાબુની લાશનો નિકાલ કરવા માટે ફતેગંજ પોલીસના જ એક કોન્સ્ટેબલનો કારનો ઉપયોગ થયો હતો, તે રાત્રે પીઆઈની સૂચના મુજબ બે પોલીસકર્મી તેની કાર લેવા ગયા હતા. આ કોન્સ્ટેબલનું પણ વડોદરા પોલીસે નિવેદન લીધું હતું. આરોપીઓ સીઆઈડી ક્રાઈમ સમક્ષ હાજર થઈ જતા હવે શેખ બાબુની લાશ અને તેની સાયકલ ક્યાં છૂપાવી છે તેની તપાસ શરૂ કરાશે. સમગ્ર મામલાને નવ મહિના જેટલો સમય વીતી ચૂક્યો હોવાથી મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમને માટે પડકારરૂપ છે. શેખ બાબુનો પુત્ર સલીમ શેખે જણાવ્યું હતું કે, આરોપીના નાર્કોટેસ્ટ કરાવવામાં આવે તો જ સાચી માહિતી બહાર આવી શકે તેમ છે.

સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર નગર સમક્ષ હાજર થયેલા પીઆઈ, પીએસઆઈ અને ચાર કોન્સ્ટેબલના સીઆઈડી ક્રાઈમ દ્વારા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા એના રિપોર્ટની રાહ જોવાઈ રહ્યો છે. સીઆઈડી ક્રાઈમના એસ.પી. ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, આરોપીઓના કોરોના ટેસ્ટનો રિપોર્ટ હજુ આવ્યો નથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.

ફરિયાદ તપાસ અધિકારીએ પોતાની તપાસ કરીને ફતેગંજ પોલીસના પીએસઆઈ એન.કે. ચારણ તથા હે.કો. શક્તિસિંહ તથા એ.એસ.આઈ. કેસરીસિંગ અને જેમના ઘરે ચોરી થઈ હતી તે સતિશ ઠક્કર, મુકુંદ ઠક્કર તથા પોલીસ સ્ટેશનમાં અટક કરાયેલા મોહમ્મદ સફ્સ બેલીમ તથા શેખ બાબુના પુત્ર સલીમની પૂછપરછ કરી નિવેદનો લીધા હતા અને તેમાં સાંયોગિક રીતે શેખ બાબુને પોલીસ સ્ટેશનમાં જ ટોર્ચર કરી હત્યા કરાયા બાદ લાશને સગેવગે કરાઈ હોવાનું જણાયું હતું.

 

આરોપીઓના નામ

પીએસઆઈ દશરથ માધાભાઈ રબારી (રહે.અમદાવાદ)

પી.આઈ. ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ (રહે.સર્વોદય સોસાયટી, નિઝામપુરા)

એલ.આર.ડી. પંકજ માવજીભાઈ (રહે.ચલાલા)

એલ.આર.ડી. યોગેન્દ્રસિંહ જીવણસિંહ (રહે.શિવાજી સોસાયટી, ટી.પી.૧૩)

એલ.આર.ડી. રાજેશ સવજીભાઈ (રહે.શિવમ રેર્સીડેન્સી, છાણી ગામ)

એલ.આર.ડી. હિતેશ શંભુભાઈ (રહે.અલંકાર ટેનામેન્ટ, ટી.પી.૧૩)