(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલા સુશેન સર્કલ ઉપર ડમ્પરની અડફેટે સ્કૂટી પર જતાં એક આધેડ વ્યક્તિનું મોત નિપજ્યું છે જેને પગલે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને બે ડમ્પર અને પોલીસની કેબિન પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી તેમજ લોકોએ ચક્કાજામ કરી દીધો હતો. મૃતક બંસીભાઇના પત્ની પ્રવિણાબેનનું ૧૯ દિવસ પહેલાં હાર્ટએટેકથી મોત થયું હતું અને દીકરીના ૪ દિવસ પહેલાં જ લગ્ન થયા હતા.
વડોદરા શહેરના મકરપુરા એસ.ટી. ડેપો પાછળ આવેલા એ-૫૮, શિવશક્તિનગરમાં રહેતા બંસીભાઇ બળવંતભાઇ સુરતી (ઉ.વ.૬૫) પરિવાર સાથે રહેતા અને તેઓની સ્કૂટી લઇને માંજલપુર ખાતે ભાઇના ઘરે જમવા માટે જઇ રહ્યા હતા તે સમયે સુશેન સર્કલ ઉપર ડમ્પરની અડફેટે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બંસીભાઇ સુરતીના પત્ની પ્રવિણાબેનનું હાર્ટએટેકથી ૧૯ દિવસ પહેલાં જ મોત થયું હતું. પરંતુ દીકરીના લગ્નની તૈયારીઓ થઇ ગઇ હોવાથી ૧૬ ફેબ્રુઆરીએ બારડોલી ખાતે દરજી સમાજના સમૂહલગ્નમાં દીકરી માધવીના લગ્ન પ્રતિક નામનાં યુવક સાથે થયા હતા અને આજે ૪ દિવસ બાદ પિતાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું.