વડોદરા, તા.ર૬
વડોદરાની આસપાસમાં આવેલા ૭ ગામના મહાનગરપાલિકામાં સમાવેશને લઈને અસંતુષ્ટ ઉંડેરાના ગ્રામજનોએ તંત્ર વિરૂદ્ધ દેખાવો કર્યા હતા અને મહિલાઓએ છાજિયા લીધા હતા. જો કે, પોલીસે પાલિકાના પૂતળા દહન કાર્યક્રમને નિષ્ફળ બનાવી કેટલાક આંદોલનકારી લોકોની અટકાયત કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા વડોદરાની આસપાસમાં આવેલા ૭ ગામનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનો નિર્ણય તાજેતરમાં જ લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયનો ગ્રામજનો દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેર નજીક આવેલા ઉંડેરા ગામના લોકોએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં વડોદરાની આસપાસમાં આવેલા ૭ ગામોનો સમાવેશ કરવાના લીધેલા નિર્ણયના વિરોધમાં રોજેરોજ પાલિકાના સમાવેશ ગામોમાં વિવિધ કાર્યક્રમો સાથે દેખાવો-સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આજે ઉંડેરા ગામના લોકોએ પાલિકા અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કરીને છાજિયા લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસે પાલિકાના પૂતળા દહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવી કેટલાક આંદોલનકારીઓની અટકાયત પણ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.