વડોદરા, તા.૯

યાકુતપુરા વિસ્તાર માં મંગળવારે મહિલા પાર થયેલા ફાયરિંગ ના બનાવ નો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે. ફાયરિંગ માં ઇજાગ્રસ્ત મહિલા એ પોતાની આપવીતી જણાવી હતી. મળતી વિગત અનુસાર, નઈમ શેખ સવારે ઘરેથી પોતાના નોકર મુખ્તીયાર શેખને સાથે લઈ નર્મદા ભુવન ગયો હતો. પરંતુ કોરોના સંક્રમણના કારણે નર્મદા ભુવનની કચેરી બંધ હોવાથી તે છાણી જીએસએફસી રોડ પર આવેલી જાણીતા ટ્રાન્સપોર્ટરની ઓફિસે ગયો હતો.  દરમિયાન પાડોશી ફરિદાબેને મોબાઈલ કરીને  નઈમ શેખને જાણ કરી હતી કે, અમીનાબેનને  ગોળી મારીને આરોપીઓ ભાગી ગયા છે. જેથી નઈમશેખ તાબડતોબ  પાછો ઘેર આવવા નીકળ્યો હતો તે દરમિયાન અમીનાબેનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોઈ  નઈમ શેખ સીધો ત્યાંજ પહોંચી ગયો હતો. અમીનાબેનને છાતીના ભાગે ગોળી વાગી હતી. પરંતુ તેઓ ભાનમાં હતા. અમીનાબેને પતિને કહ્યું હતું કે હું રસોડામાં રસોઈકામ કરતી હતી. તે સમયે એક લેડિઝે મને બૂમ પાડતા હું બહાર ગઈ હતી. મકાનનો મેઈનગેટ ખોલીને એક યુવક અને યુવતી છે કે પગથિયા સુધી આવી ગયા હતા. એક યુવકે હાથ લંબાવી મને કંકોત્રી આપી હતી. તેજ વખતે  તેની સાથે દુપટ્ટો બાંધીને આવેલી યુવતીએ થેલીમાંથી રિવોલ્વર જેવું હથિયાર કાઢી મને ગોળી મારી હતી.

ઉલ્લેખનીય છે કે યુવતીએ જે થેલીમાંથી  રિવોલ્વર કાઢીને ગોળી મારી હતી તે થેલી દરવાજા પાસે છોડીને જ ભાગી ગઈ હતી. અમીનાબેનને એક ગોળી માર્યા પછી યુવતી બિંદાસ્તરૃપે અમીનાબેનના ઘરમાં અંદર સુધી આવી ગઈ હતી. તેનો ઈરાદો કદાચ બીજી ગોળી મારવાનો હતો. પરંતુ તેની સાથે આવેલો યુવક ઘર બહાર દોડી ગયો હોઈ  ગભરાઈને એ યુવતી પણ ઘરની બહાર નીકળી ગઈ હતી.