વડોદરા, તા.૨૯
રાત્રિ બજારમાં નાસ્તો કરવા આવેલી મુસ્લિમ યુવતિ પર ચાકુના ખચાખચ ઘા ઝીંકી દીધા પછી સગીરવયના કિશોરને લાફા મારી માથાભારે નરેશ ઉર્ફે નરીયો ફરાર થઇ ગયો હોવાનો બનાવ હરણી પોલીસ મથકે નોંધાયો હતો.પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર મચ્છીપીઠ નવાબવાડામાં રહેતી સબીના શબ્બીરભાઇ મલેક તથા કિશોર વયના બે સગીર સાથે રાત્રિના સમયે સ્કુટી હંકારી રાત્રિ બજારમાં આવી પહોંચ્યા હતા. રાત્રિ બજારમાં નાસ્તો કરવા બેઠેલા સબીના મલેક પાસે અચાનક માથાભારે નરેશ ઉર્ફે નરીયો ધસી આવ્યો હતો. જુના ઝઘડાની અદાવત રાખી માથાભારે નરેશ ઉર્ફે નરીયાએ સબીના મલેકને બિભત્સ ગાળો ભાંડી હતી. આજે તને અહીંયા કોણ બચાવશે તેમ કહી નરેશ ઉર્ફે નરીયાએ ખિસ્સામાંથી ચાકુ બહાર ખેચ્યું હતું. નાસ્તો કરવા બેઠેલી સબીના મલેક પર ચાકુ વડે હુમલો કરતા સબીના મલેકના માથાનાં પાછળના ભાગે ઇજા થઇ હતી. સગીરવયના મોહંમદ હુશેન મીર્ઝાને માથાભારે નરેશ ઉર્ફે નરીયાએ બે ત્રણ લાફા ઝીંકી દીધા હતા.
૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને તાત્કાલીક ફોન કરી દેવામાં આવ્યો હતો. સંદેશો મળતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. રાત્રિના બજારનાં દરવાજા પાસે ફરીથી માથાભારે નરેશ ઉર્ફે નરીયો ત્રાટકયો હતો અને સબીના મલેક પર ફરી એકવાર ચાકુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ માથાભારે હુમલાખોર નરેશ ઉર્ફે નરીયો ફરાર થઇ ગયો હતો. લોહી નિગળતી હાલતમાં સબીના મલેકને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હરણી પોલીસ મથકે હુમલાના બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.