(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧પ
ગુજરાતના ઓટો રિક્ષા ડ્રાયવર્સ માટે બ્લૂ કલરનું એપ્રોન પહેરવું ફરજિયાત કરતા રાજ્ય સરકારના જાહેરનામાનો આજે વડોદરાના રિક્ષાચાલકોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. રિક્ષાચાલકો આજે અર્ધનગ્ન થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને રિક્ષા ડ્રાયવર્સને ફરજિયાત યુનિફોર્મ પહેરવાનું જાહેરનામું મુલતવી રાખવાની માંગ કરી હતી. વડોદરા રિક્ષાચાલક કોંગ્રેસ ઈન્ટુકના પ્રમુખ જીવણભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે અમારા રોજગાર પર ગંભીર અસર થઈ છે. અમે અમારા બાળકોની ચડ્ડી-પેન્ટ લાવી શકતા નથી તો એપ્રોન ક્યાંથી લાવીશું. બ્લૂ એપ્રોન ફરજિયાત પહેરવાના નિયમ માટે એક વર્ષની મુદ્દત આપવામા આવે તેવી અમારી માગણી છે. બ્લૂ યુનિફોર્મ બનાવતા પહેલા ઓટો રિક્ષાચાલકો માટે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. જો અમારી માંગ સ્વીકારાશે નહીં તો અમે સરકારના આ જાહેરનામાનું પાલન નહીં કરીએ.