અમદાવાદ, તા.૨૩
માર્ચ ફી નિર્ધારણ સમિતિ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી કરે તે પહેલાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાઓ જે ફી નક્કી કરે તે હાલમાં વાલીઓએ ભરવી તેવું નિવેદન આપતા વાલીઓમાં તેની સામે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના એક વાલી વિનોદ ખુમાણે તો શિક્ષણમંત્રી સાથે આ નિવેદનને લઈને ફોન પર જ તડાફડી કરી નાખી હતી. જેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. વાલીએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફોન પર કહ્યું હતું કે, આટલું જલદી શાળાઓ માટે નિવેદન આપવાનું કારણ શું છે ? તેની સામે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. જેની સામે વિનોદ ખુમાણે શિક્ષણમંત્રીને સંભળાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આજે થોડું કહ્યું છે. સુપ્રીમ કોર્ટ તો ૪ એપ્રિલે કહેવાની હતી અને ફી નિર્ધારણ સમિતિ ર૮ માર્ચે કહેવાની હતી પણ તમે શાળાઓ માટે નિવેદન આપીને વાલીઓ સાથે દગો કર્યો હોય તેવું લાગે છે. તમારે ખરેખર તો એક અઠવાડિયું રાહ જોવાની હતી. એક વાતચીતમાં વિનોદ ખુમાણે કહ્યું હતું કે, આખી વાત પૂરી થાય તે પહેલાં શિક્ષણમંત્રીએ મારો ફોન કાપી નાખ્યો હતો. હું આગળ શું કહેવા માંગું છું તે સાંભળવાની દરકાર પણ તેમણે રાખી ન હતી. દરમિયાન શિક્ષણ મંત્રીના નિવેદનના વિરોધમાં કેટલાક વાલીઓ આવતીકાલે, શુક્રવારે દેખાવો કરે તેવી પણ શક્યતા છે. વાલીઓની લાગણી છે કે, સરકાર શાળા સંચાલકોના ખોળામાં બેસી ગઈ હોય તેવી જે શંકા હતી તે આ નિવેદન બાદ સાચી પડતી હોય તેમ લાગે છે ત્યારે વડોદરા વાલીમંડળની મળેલી બેઠકમાં શિક્ષણમંત્રીના નિવેદન અંગે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.