(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૦
આસામમાં બાંગ્લાદેશ બોર્ડર પર ફરજ બજાવતી વખતે શહીદ થયેલ શહેરના બીએસએફના જવાનના ઘરે આજે વડોદરા જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોટે શહીદ જવાનના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને પરિવારનાં સભ્યો સાંત્વનાં પાઠવી હતી.
વડોદરા જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, હું શહીદ જવાન સંજયભાઇ સાધુના પરિવારને આજે મળી છું. તેઓને તમામ પ્રકારની મદદ અમે કરીશું. અમે પરિવારની સાથે ઉભા છીએ. આજે મોડીરાત્રે શહીદનો પાર્થિવ દેહ વડોદરા લાવવામાં આવશે અને બુધવારની સવારે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. સન્માન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.
મૂળ વડોદરાના વતની અને હાલ ગાંધીનગરમાં રહેતા સંજય મોહનભાઇ સાધુ (ઉ.વ.૩૫) બીએસએફમાં ૯ વર્ષ અગાઉ પી.એસ.આઇ. તરીકે જોડાયા હતા અને પ્રમોશન બાદ ૩ વર્ષથી તેઓ પી.આઇ. તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં તેમનું પોસ્ટીંગ સીલીગુડીથી ૬ કિલોમીટર દૂર બાંગ્લાદેશની બોર્ડર પર હતું. આ બોર્ડર પર પશુધનની તસ્કરી મોટાપાયે થતી હોવાને કારણે બીએસએફ દ્વારા રાત્રે પણ સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. શનિવારે રાત્રે સંજય સાધુ બીએસએફના ત્રણ જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે તેઓનો પગ લપસી જતાં તળાવમાં ડૂબી ગયા હતા અને શહીદ થયા હતા.