(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૦
શહેરીજનો વેરો ભરતા હોવા છતાં છેલ્લાં ૮ માસથી શહેરીજનોને દૂષિત પાણી મહાનગરપાલિકા તરફથી આપવામાં આવી રહ્યું છે. આ સમસ્યાનો હજુ સુધી નગરપાલિકા દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો નથી. તેથી શહેરના એક વકીલ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખી શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
વકીલ કમલ પંડ્યાએ વડાપ્રધાન મોદીને પત્રમાં લખ્યું છે કે, સયાજીરાવ ગાયકવાડે વડોદરાને ચોખ્ખુ પીવાનું પાણી મળી રહે તે માટે આજવા સરોવર બનાવ્યું હતું. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે, રાજકારણ અને વહીવટમાં કેટલાક ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને કારણે આજવા સરોવર અને નિમેટા ખાતે આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટને નુકશાન થયેલ છે. જેને કારણે છેલ્લાં ૮ માસથી શહેરના મોટાભાગના વિસ્તારમાં ગંદુ અને દહોળાયેલું પીવાનું પાણી આવે છે. આ અંગે મહાનગરપાલિકાએ ઘણો ખર્ચ અને અખતરા કર્યા છતાં સમસ્યાનો નિવેડો આવી શક્યો નથી. શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહે તે માટે તમે આ તરફ ધ્યાન આપો તેવી માગણી કરી હતી. વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા જઇ રહ્યા છે. પરંતુ શહેરમાં શુદ્ધ પીવાનું પાણી પણ શહેરીજનોને મળી રહ્યું નથી.