(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૮
શહેરના એમ.એસ.યુનિવર્સિટી પાસે સયાજીગંજ નજીકથી આજે હેરોઇન નશાની ડિલિવરી કરવા માટે આવેલ પંજાબના યુવાનને એસ.ઓ.જી. અને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ યુવાન પાસેથી ૩.૪૦ ગ્રામ હેરોઇન અને મોબાઇલ ફોન મળી કુલ ૫૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રોથી મળેલ વિગત મુજબ એસ.ઓ.જી. પોલીસ મથકનાં પો.કો. આશીષ પૂરીને બાતમી મળી હતી કે, સયાજીગંજ એમ.એસ.યુનિ.ના ગેટ સામે પંજાબી યુવાન હેરોઇન નશાની ડિલિવરી આપવા માટે આવનાર છે. જેને પગલે એસ.ઓ.જી.ના પો.ઇ.એસ.જી. સોલંકી તથા એ.એસ.આઇ. અબ્દુલ રઝાક તેમજ હે.કો. કમાલુદ્દીન સહિતનાં સ્ટાફે વોચ ગોઠવી હતી. આજે સવારે સાડા અગિયારના સુમારે બાતમીદાર યુવાન મળી આવતા પોલીસે તેની અંગ જડતી કરી હતી. તેની પાસેથી પોલીસને રૂા.૩૪ હજારની કિંમતનું ૩.૪૦ ગ્રામ હેરોઇનની પડીકી મળી આવી હતી. પોલીસે તેની પાસેથી હેરોઇનનો જથ્થો, વજન કાંટો અને મોબાઇલ ફોન કબજે કરી રૂા.૫૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ સુખવિંદરસીંગ ઉર્ફે સુખા અમરીકસીંગ ગીલ (રહે.રસુલપુર ગામ, ગુરૂદ્વારા પાસે, તા.પટ્ટી, જી.તરણ, પંજાબ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે, શહેરના છાણી વિસ્તારમાં તેના સંબંધીઓ રહેતા હોવાથી અવાર-નવાર તે વડોદરા શહેરમાં આવતો હતો. શહેરમાં અનેક લોકો નશો કરતાં હોવાથી તે હેરોઇનનો જથ્થો લઇને આવ્યો હતો. ૨૫ ગ્રામ હેરોઇન લઇને આવ્યો હતો. જેમાંથી ૨૧ ગ્રામ જેટલું હેરોઇન વિવિધ લોકોને વેચી દીધો હતો અને બાકીનો ૩.૪૦ ગ્રામ જથ્થાની ડિલિવરી કરતી વખતે ઝડપાઇ જવા પામ્યો હતો. પોલીસે શહેરમાં કેટલીક વખત આ જથ્થો લઇને આવ્યો હતો. તેમજ મુખ્ય ખરીદનાર કોણ છે તે અંગેની તપાસ હાથ ધરી છે.