(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
શહેરનાં ગાજરાવાડી વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા થયેલા ચકચારી વિંકી કનોજીયા હત્યાકાંડમાં વડોદરાની અદાલતે આરોપી રાજુ પવાર તથા તેના બે પુત્રો અને ભાણીયાને દોષિત ઠેરવી ચારેય જણાંને આજીવન કેદની સજા ફટકારી હતી અને તમામ આરોપીઓને મૃતકની માતાને ૨૭૬૦૦ રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૨૬ માર્ચ,૨૦૧૮નાં રોજ વાડી કુંભારવાડામાં રહેતો વિંકી કિશોરભાઇ કનોજીયા પોતાના મિત્ર જયદિપ ઠક્કર સહિત અન્ય મિત્રો સાથે ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ગોમતીપુરામાં ક્રિકેટ રમી રહ્યાં હતા. તે સમયે વિસ્તારનાં માથાભારે એવા રાજુ પવાર અને તેના પુત્ર વિશાલ અને ધવલ તેમજ ભાણીયો અક્ષય બોરાડે ત્યાં બાઇક અને એકટીવા પર બેસી તલવારો સાથે ધસી આવ્યા હતા અને વિંકી કનોજીયા પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ તલવારનાં ઉપરા છાપરી ૨૩ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે મૃતકની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસ વડોદરા કોર્ટનાં ડિસ્ટ્રીકટ જજ એ.સી.જોષીની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ કે.પી. ચૌહાણે તમામ આરોપીને ફાંસીની સજા માગણી કરી હતી. અદાલતે તમામ પુરાવા જોઇ ચારેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. સાથે જ તમામને મૃતકની માતાને ૨૭૬૦૦ રૂા. ચુકવવા આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, માથાભારે રાજુ પવાર ૧૯૯૦માં છોટુ કહાર નામનાં યુવાનની હત્યા તેમજ ૧૯૯૨માં નવલખી મેદાન પાસે વિશ્વાસરાવ નામનાં જી.ઇ.બી. કર્મચારીની હત્યામાં તેમજ ૧૯૯૩માં વડોદરાનાં પત્રકાર દિનેશ પાઠકની હત્યા કેસમાં સજા થઇ હતી.