વડોદરા, તા.ર
વડોદરા શહેરમાં ભરઉનાળે કાળઝાળ ગરમીમાં પાણીનો કકળાટ શરૂ થયો છે. વડોદરાની આજવા ચોકડી પાસે આવેલા કાન્હા લેન્ડમાર્ક અને અનંતા હાઈટ્‌સ સહિતની ૮ જેટલી સોસાયટીઓમાં પાણીની સમસ્યાને લઈને આજે બીજા દિવસે પણ રહીશોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક રહીશોએ પાણી નહીં મળે તો આગામી દિવસોમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. કોરોનાથી નહીં મરે પણ પાણી વગર લોકો મરી જશે તેવી વ્યથા વ્યક્ત કરી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષથી બિલ્ડર પાણી આપવાની વાતો કરે છે, પણ પાણી મળ્યું નથી. છેલ્લા ૭ દિવસથી તો પાણી મળ્યું જ નથી. કોરોના મોતથી નહીં પણ પાણી વગર મરી જઈશું. કોરોના વાયરસના કહેર વચ્ચે બહાર પાણી ભરવા જતાં પણ ડર લાગે છે પાણી નહીં મળે તો ઉપવાસ આંદોલન કરીશું. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના આજવા રોડ ઉપર કાન્હા લેન્ડમાર્કમાં રહેતા ૧૦૦ જેટલા પરિવારો છેલ્લા ૩ માસથી પાણી વિના વલખાં મારી રહ્યા છે. બિલ્ડરે ર૪ કલાક પાણી આપવાનું વચન પૂરૂં કર્યું નથી અને વુડા દ્વારા પાણી આપવામાં ન આવતા રહીશોએ સોમવારે બિલ્ડર અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. હવે આસપાસની સોસાયટીના રહીશો પણ વિરોધમાં જોડાયા છે.