વડોદરા,તા.૯

શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેન્કમાં ચોરી કરવા આવેલા તસ્કરનું મોત થયું હતું. અચાનક કટર ચાલુ થતા ચોર કપાઈને મર્યો હતો. મહત્વનું છે કે તસ્કરે સ્ટ્રોંગરૂમનું લોકર તોડયું હતું. જેમાં ૧૩ લાખ રૂપિયા હતા. ચોર  સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે. જયારે પોલીસે મૃતક ચોરની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે. ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેન્કમાં રાત્રી દરમ્યાન તસ્કરે પહેલા કટરથી સ્ટ્રોંગરૂમનું લોકર તોડયું હતું. ત્યાર બાદ અચાનક કટર ચાલુ થઈ જતા તસ્કર કપાઈ જતા મોતને ભેટયો હતો. ઘટનાની જાણ થતા વારસિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્કવોડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ. આનંદે જણાવ્યું હતું કે ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેન્કની ચેન્નાઈ ખાતે આવેલી મેઈન બ્રાન્ચમાં વિજિલ્સ ડિપાર્ટમેન્ટ છે. તેની તમામ બ્રાન્ચનું સીસીટીવી મોનિટરીંગ ત્યાં થાય છે. કંટ્રોલ રૂમમાંથી જાણ થઈ હતી કે, મોડી રાત્રે એક વાગ્યે વડોદરાની બ્રાન્ચમાં કોઈ શખ્સ ફરી રહ્યો છે. જેથી મેનેજરે વડોદરાના બ્રાન્ચ મેનેજર પ્રશાંત દયાશંકર શર્માને જાણ કરી હતી. જેઓ તાત્કાલિક બેન્ક ખાતે પહોંચી ગયા હતા. જો કે તે પહેલા ચોરનું મૃત્યુ થઈ ગયું હતું. આ અંગે પોલીસને જાણ કરાઈ હતી. પીઆઈ એસ.એસ. આનંદે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે તપાસ શરૂ કરી છે. પીઆઈ અને પીએસઆઈ એસ.એન. પરમારની બે ટીમો બનાવી છે. હાલ પોલીસ દ્વારા મૃતક ચોરની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે. આ સાથે ચોરને ચોરી દરમ્યાન કટરની બલેડ કેવી રીતે લાગી તે જાણવા માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. મૃતક ચોર ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેન્કમાં પ્રવેશતો કેદ થઈ ગયો છે. આ સાથે બેન્કમાં રહેલા સીસીટીવીમાં સ્ટ્રોંગરૂમનું લોકર કટરથી તોડતો પણ કેદ થઈ ગયો છે. ત્યાર બાદ સ્ટ્રોંગરૂમની સાઈડ જતો રહેતા કેવી રીતે કટર વાગ્યું તે સીસીટીવીમાં કેદ થયું નથી.