વડોદરા, તા.૭
મ.સ. યુનિવર્સિટીએ જૂન-૨૦૧૯માં એક કંપની પાસેથી માલ મગાવ્યા બાદ બાકી રૂ।. ૮૭.૭૭ લાખની ચુકવણી ન કરતા વાઇસ ચાન્સેલર સહિત ૯ સામે કંપનીએ નોટિસ ઇશ્યૂ કરાવી છે. એટલું જ નહીં ચુકવણું નહીં કરવામાં આવે તો કાયદાકીય પગલાં ભરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ફર્નિચરની જરૂરિયાત હોઇ યુનિવર્સિટીએ પિતૃકૃપા વુડન વર્કસ નામની કંપની પાસેથી ૪૪૦ મોટા સ્ટીલના કબાટ, નાના કબાટ, ૨૦૯૦ પ્લાસ્ટિક મોલ્ડેડ ચેર સહિતનો સામાન ખરીદ્યો હતો. આ ખરીદી બાદ યુનિ.એ કેટલાક રૂપિયા ચૂકવી દીધા બાદ રૂા.૮૭,૭૭,૭૮૦ બાકી રાખ્યા હતા. જે માટે કંપનીએ યુનિવર્સિટીના વીસી સહિતના અધિકારીઓને ટેલિફોનિક અને રૂબરૂ વાત કરી હોવા છતાં મહિનાઓથી ધક્કા ખવડાવાયા હતા. નોટિસમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, યુનિવર્સિટીમાંથી એવો જવાબ પણ મળ્યો કે, અમે ખૂબ જ ઓછી ફીમાં વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ એટલે આટલા પૈસાની અમારો પાસે વ્યવસ્થા નથી. છેવટે બાકી રૂપિયા આપવામાં ન આવતાં કંપનીએ યુનિવર્સિટીના ચાન્સેલર સહિત ૯ની સામે કોન્ટ્રાક્ટની શરતના ભંગ બદલ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે નોટિસ આપીને કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.