વડોદરા, તા.૧૩

શહેરના એલેમ્બિક ગૂ્રપની કંપની શ્રેનો લિમિટેડના ગ્લાસ ડિવિઝનમાં કામ કરતા ૧૦ જેટલા કામદારોને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હોવા છતા મેનેજમેન્ટ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન નહીં કરાવાતુ હોવાનો આક્ષેપ સાથે વહિવટીતંત્રને રજૂઆત કરવામાં આવી છે. વડોદરાના કામદારોના સંગઠન બરોડા લેબર યુનિયન તેમજ કંપનીના કેટલાક કામદારોનુ કહેવુ છે કે, એક કર્મચારીનુ તો કોરોનાના કારણે મોત પણ થયુ છે. બીજી તરફ કંપનીના કામદાર આગેવાનોને મોબાઈલ  કંપનીમાં લઈને જવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે.જેમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવામાં આવી છે.આમ કંપનીએ કરેલી કાર્યવાહીથી આરોગ્ય સેતુ એપનો અર્થ સરી રહ્યો નથી. કામદારોનુ કહેવુ ેછે કે, કોરોના વકરી રહ્યો હોવા છતા સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરાવાતુ નથી.કંપની દ્વારા માસ્ક પર પણ પૂરા પાડવામાં આવ્યા નથી અને સેનેટાઈઝેશનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.જેમને કોરોના થયો હોય તેમના સંપર્કમાં આવેલા કામદારોને ક્વોરેન્ટાઈન પણ કરાઈ રહ્યા નથી.બે કલાકે થર્મલ ગનથી ચેકિંગનો પણ અભાવ છે.કામદારોને  હાથમાં પહેરવા માટેના ગ્લોવ્ઝ પણ અપાતા નથી.કંપનીએ કાયમી કર્મચારીઓની છટણી કરીને કોન્ટ્રાક્ટ પરના ૧૦૦ જેટલા નવા કામદારોની ભરતી કરી છે.આ કામદારો માસ્ક પહેરતા નથી.આમ કંપનીમાં કોરોનાની ગાઈડલાઈનનુ પાલન થઈ રહ્યુ નથી.ઉલ્લેખનીય છે કે, શ્રેનો લિમિટેડના ગ્લાસ ડિવિઝનના ૧૦૦ ઉપરાંત કર્મચારીઓને છુટા કરવાનો તાજેતરમાં નિર્ણય લેવાયો ત્યારે પણ કામદારોએ હોબાળો મચાવ્યો હતો.