(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
ભારતમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે જેને પગલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી કેટલીક સાવધાની રાખવામાં આવી રહી છે. કોરોના વાયરસને પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે વડોદરા કોર્ટમાં પ્રવેશતા વકીલોને પક્ષકારોનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. આ ગન વડે માપવામાં આવતા ટેમ્પરેચર ૯૯થી વધુ આવે તેને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. એ જ રીતે સિટી બસોની પણ સફાઇ હાથ ધરવામાં આવી હતી. નર્મદા ભવન સહિત સરકારી કચેરીઓમાં સેનેરાઇઝર્સ મૂકવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, વકીલો અને પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ કરતા પહેલાં સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું જેનું ટેમ્પરેચર હાઇ જણાવ્યું હતું. તેમને કોર્ટમાં પ્રવેશ કરવામાં આવ્યું ન હતું. જો કે, કોઇ શંકાસ્પદ કેસ મળી આવ્યો ન હતો. આરોગ્ય વિભાગની ટીમ માટે માત્ર એક જ ટેમ્પરેચર મશીન હોવાથી તેની બેટરી ઉતરી જવાને કારણે મુશ્કેલી પડી હતી. સવારે કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશવા માટે તપાસ કરવામાં આવતી હોવાથી લાંબી લાઇનો લાગી હતી.
શહેરમાં ફરતી વિટકોસ સિટી બસોનું પણ સતત સાફ-સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. બસ સ્ટેશનમાં મૂકવામાં આવેલ સિટી બસોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ ડ્રાયવર-કંડક્ટરોને વારંવાર સેનેટરાઇઝરથી હાથ ધોતા રહેવાની અને ફરજિયાતપણે માસ્ક પહેરવાની સૂચના અપાઇ હતી. બસોની સીટ, હેન્ડલ સહિતની જગ્યાઓ પણ સેનેટાઇઝર સાફ કરવામાં આવ્યા હતા. બસમાં શરદી, ઉધરસ, તાવવાળા મુસાફરોની જાણ થાય તેઓની જાણ આરોગ્ય વિભાગને કરવા જણાવ્યું હતું. નર્મદા ભવન જનસેવા સહિતની સરકારી ઇમારતોમાં સેનેટાઇઝર મૂકાયા હતા. ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા પણ લોકોને જાગૃત કરવા જેતલપુર બ્રિજ, કમાટીબાગ સહિતના વિસ્તારોમાં અભિયાન હાથ ધર્યા હતા.