(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૭
હાલની ગંભીર પરિસ્થિતિ વચ્ચે શહેર મધ્યે આવેલી સરકારી હોસ્પિટલમાં તબીબોના અભાવે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી હોવાથી, જમનાબાઈ હોસ્પિટલમાં તબીબોની વ્યવસ્થા કરવામાં આવે તે માટે સામાજિક કાર્યકરે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ અને હેલ્થ સેક્રેટરી જ્યંતી રવિને ઈ-મેલ દ્વારા રજૂઆત કરી છે.
સામાજિક કાર્યકર ફારૂક સોનીએ ઈ-મેલમાં જણાવ્યા પ્રમાણે, જમનાબાઈ હોસ્પિટલમાં બે વર્ષથી રેડિયોલોજીસ્ટ નથી, ૪ મહિનાથી એમ.ડી.ફિઝીશિયન ડોક્ટર નથી. છેલ્લા ૧૫ દિવસથી સ્કિન ડોક્ટર નથી. રોજ ૫૦ જેટલા સ્કિન રોગના દર્દીઓને સારવાર વિના પાછા જવું પડે છે. જમનાબાઈ હોસ્પિટલની હાલત સાવ કથળી ગઈ છે.
વધુમાં જણાવ્યું છે કે, સરકારી હોસ્પિટલમાં તબીબોના અભાવે સારવાર નહીં મળતી હોવાથી દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. ત્યારે તાત્કાલિક ધોરણે સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે.