(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૬,
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી મુકનાર કોરોના વાયરસને પગલે ગુજરાત સરકાર દ્વારા સાવચેતીનાં ભાગરૂપે શાળાઓ, કોલેજો, મલ્ટીપ્લેકસ બંધ રાખવા સુચના આપી છે. જે અંતર્ગત તેના કડક અમલનાં ભાગરૂપે આજે શહેરની તમામ શાળાઓ, કોલેજો, મલ્ટીપ્લેકસ બંધ રહ્યાં હતા. કોરોના વાયરસનાં દહેશતને પગલે શહેરનાં રાજમાર્ગો અને બજારોમાં લોકો ઓછા દેખાતા હતા. જ્યારે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા રેલ્વે સ્ટેશન, એસ.ટી. ડેપો સહિત વિવિધ સ્થળોએ સાફ-સફાઇ હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે સુચના જાહેર કરાયા બાદ આજે શહેરના મોટાભાગનાં મોલ જેવા કે, ઇનોરબીટ, ડિ-માર્ટ, સેવનસીઝ, વડોદરા સેન્ટ્રલ સહિતનાં મોલ્સ બંધ રહ્યાં હતા. જ્યારે ગઇકાલે મોલ બંધ થતા પૂર્વે લોકોનો જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ઘસારો જોવા મળ્યો હતો. આ અંગે જણાવતા જિલ્લા કલેકટર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલ મોલ અને સિનેમાગૃહો બંધ કરવામાં આવ્યા છે. જો બધુ એક સાથે બંધ કરાવવા જઇશું તો લોકોમાં ગભરાટ ફેલાશે. જેથી સરકારનાં આદેશ મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.
બીજી બાજુ વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતે તંત્ર દ્વારા એસ.ટી. બસોને ડિટરર્જન્ટથી ધોવામાં આવી હતી. સાથે જ એ.સી. અને સ્લીપર કોચની બસોમાંથી પડદા દુર કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એસ.ટી. ડેપો ખાતે પણ ઘનિષ્ઠ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સફાઇ કામગીરી હજુ એક અઠવાડિયા સુધી ચાલું રહેશે તેવી જ રીતે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે પણ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ શહેરની શાળાઓમાં પણ રજા હોવાથી શાળાઓને શાળાનાં વહીવટી તંત્ર દ્વારા સાફસફાઇની કામગીરી હાથ ધરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
શહેરની સયાજી હોસ્પિટલ ગોત્રી હોસ્પિટલમાં ર૪ અને ૧પ બેડના આઈસોલેશન વોર્ડ બનાવાયા
વડોદરા જિલ્લા કલેકટર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેર-જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર, કોર્પોરેશન, આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગો દ્વારા કોરોના વાયરસને અટકાવતી તકેદારીઓનું કડક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કોરોના વાયરસનો કોઇ પોઝીટીવ કેસ નોંધાયો નથી. પરંતુ શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ ખાતે ૨૪ અને ૧૫ બેડનાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરનાં ખાનગી દવાખાનાઓમાં પણ આવશ્યક પરિસ્થિતિમાં ઉપયોગમાં લઇ શકાય તેવા હેતુંથી ૩૨ બેડનાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા નાગરીકોને ભયભીત થવાને બદલે સર્તક રહેવા અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા તેમજ સાવચેતીનાં ભાગરૂપે શું કરવું જોઇએ તે અંગેની માહિતી આપવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં ૭૨ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જે તમામનાં રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જે પૈકી ૧૯ લોકો હજુ ઓબ્ઝર્વેશન હેઠળ છે.