(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૬,
વડોદરા સ્માર્ટ સિટીનાં નામે મહાનગર પાલિકા દ્વારા જાહેરાતો કરવામાં આવે છે. તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં હજુ શુદ્ધ પીવાનું પાણી શહેરીજનોને મળી રહ્યું નથી. દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ નગર પાલિકા તંત્ર લાવી શકતી નથી. જયરત્ન ચાર રસ્તા નજીક આવેલ દ્વારકેશકુંજ સોસાયટીમાં એક સપ્તાહથી પાણીમાં જીવડા આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. જેને કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગર પાલિકા શહેરીજનોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નિવડ્યું છે. શહેરમાં રોજબરોજ ગંદકી પાણીમાં દુષિત પાણીની સમસ્યા સામાન્ય બની છે. હદ તો એ છે કે, મહાનગર પાલિકાનું તંત્ર આ સમસ્યાનું નિકાલ લાવવામાં ઉણું ઉતરી રહ્યું છે. છેલ્લાં ઘણા માસથી શહેરમાં દૂષિત પાણી આવતું હોવાની બૂમો ઉઠી છે. જેમાં એક સપ્તાહથી જયરત્ન ચાર રસ્તા નજીક આવેલ દ્વારકેશકુંજ સોસાયટીમાં પીવાના પાણીમાં અજીબો ગરીબ જીવડા આવે છે. પાણીમાં જીવડા આવતા હોવાથી સ્થાનિક કાઉન્સીલર બાળુ શુર્વે પાલિકા તંત્રને આ અંગે ફરિયાદ કરી હતી. તંત્ર પણ આ સમસ્યાને દુર કરવા કામે લાગ્યું હતું તેમ છતાં આજે પણ પીવાના પાણીમાં જીવડા આવી રહ્યાં છે. જેના કારણે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં.૫ ના અધિકારીઓ આ સમસ્યાનો મુળ શોધવામાં લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ જીવડા પાણીમાં કયાંથી આવે છે તે હજુ સુધી શોધી શકયા નથી.