વડોદરા, તા.૨૦
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ભાઈલાલ અમીન હોસ્પિટલમાં તબીબો અને કર્મચારીઓના કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ નિમાયેલી વડોદરા મહાનગરપાલિકાની કમિટીની તપાસ બાદ ૨૧/૫/૨૦૨૦થી તા.૨૭/૫/૨૦૨૦ દરમિયાન ૭ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હોસ્પિટલ દ્વારા કર્મચારીઓના આરોગ્યને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. હાલમાં સારવાર લઈ રહેલા કોરોના વાયરસના દર્દીઓને સરકારની ગાઈડલાઈન મુજબ ખસેડવામાં આવશે અથવા ડિસ્ચાર્જ કરવામાં આવશે. ભાઈલાલ અમીન હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે કે, હોસ્પિટલ ઉપર થયેલા આક્ષેપો બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ કમિટીને હોસ્પિટલમાં ગંભીર પ્રકારની કોઈ ક્ષતિઓ મળી આવી ન હતી. પરંતુ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા દર્દીઓ અને કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં લઈ આગામી ૭ દિવસ સુધી હોસ્પિટલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.