વડોદરા,તા.ર

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એકઝામ પોર્ટલ પર સાયબર એટેકનો પ્રયાસ કરવામાં આવતા મોક ટેસ્ટ સહિત  પ ઓગસ્ટથી ૧૭ હજાર વિદ્યાર્થીઓની શરૂ થતી ઓનલાઈન પરીક્ષાઓ હાલ પુરતી સ્થગિત કરાઈ છે. આ મામલે તપાસ કરવા સાયબર ક્રાઈમમાં અરજી કરાઈ છે. મ.સ. યુનિવર્સિટી દ્વારા નવનિર્મિત એમએસયુ એકઝામ પોર્ટલ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે શુક્રવારે રાતથી અજાણ્યા સોર્સ દ્વારા  એકઝામ પોર્ટલ હેક કરીને સ્ટુડન્ટ તેમજ ટીચર ડેટા તફડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રયાસમાં હેકરોને સફળતા મળી ન હતી તેમજ યુનિવર્સિટીના તમામ  ડેટા સુરક્ષિત રહ્યા હતા. હેકર દ્વારા સર્વર હેક કરી ક્રેશ કરવાનો પ્રયાસ એકથી વધુ વાર થયો હતો. જેને કારણે આશરે શનિવારે સવારે ૩૦૦૦ વિદ્યાર્થીઓને મોક ટેસ્ટ દરમ્યાન લોગઈન થવા માટે મુશ્કેલી નડી હતી. જેથી વિદ્યાર્થીઓ લોગઈન કરી શકયા ના હતા. તેમને પણ ધીમા સર્વરનો સામનો કરવો પડયો હતો. જે અંગે ફરિયાદો ઉઠતા  આખરે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં સાયબર એટેક થયો હોવાનું સપાટી પર આવ્યું હતું. મ.સ.યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગને હેકિંગનો પ્રયાસ થઈ રહ્યો હોવાની જાણ થતા યુનિવર્સિટી સત્તાધીશોને જાણ કરાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી રજિસ્ટ્રારે મોક ટેસ્ટ તેમજ પાંચમી તારીખથી શરૂ થતી સેમિસ્ટર પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં પરીક્ષાના નવા સમયપત્રકની જાહેરાત કરાશે. યુનિવર્સિટી ટેકનિકલ એકસપર્ટ થકી ડેટા હેકિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા અજાણ્યા હેકર્સ સામે તપાસ કરવા ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી છે.  યુનિવર્સિટીના ટેકનિકલ નિષ્ણાતે જણાવ્યું હતું કે ડિનાયલ ઓફ સર્વિસ એટેક કરવામાં આવ્યો છે. જુદા જુદા આઈપી એડ્રેસ પરથી રિકવેસ્ટ મોકલીને વેબસાઈટને ડિસ્ટર્બ કરી દેવામાં આવી હતી. જેથી ઓરિજનલ યુઝર જયારે આઈડી પાસવર્ડ નાખી એ સમયે સર્વર તે એકસેપ્ટ કરતું ન હતું. યુનિવર્સિટીની ટેકનિકલ ટીમ દ્વારા કયા કયા આઈપી એડ્રેસનો ઉપયોગ કરાયો છે તેની તપાસ કરાઈ રહી છે.