(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૧
વડોદરા શહેરમાં આજે કોરોના વાયરસનો ત્રીજો પોઝિટિવ કેસ આવતા રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ આજે વડોદરા દોડી આવ્યા હતા. તેમજ સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સુપ્રિટેન્ડેન્ટ સહિતનાં તબીબો અને અધિકારીઓની બેઠક યોજી કોરોના વાયરસની સારવાર અંગેની સ્થિતિની સમિક્ષા કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૩ પોઝિટિવ કેસો આવ્યા છે. જેઓને રાજકોટ, વડોદરા અને સુરતની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ વધુ ફેલાઇ નહીં તે માટે નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. આજે મેં સયાજી હોસ્પિટલની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. વડોદરામાં ૩ દર્દીઓની ઘનિષ્ઠ સારવાર ચાલી રહી છે. જ્યારે આ દર્દીઓનાં તેમજ તેમના પરિવારજનોનાં સંપર્કમાં આવેલા ૨૪ જેટલા પરિવારજનોને કવોરોન્ટાઇન કરાયા છે. આ તમામને ૧૪ દિવસ સુધી કવોરોન્ટાઇનમાં રાખવામાં આવશે. કોરોના વાયરસનાં પોઝીટીવ વ્યકિતઓનાં સંપર્કમાં જે વ્યકિતઓ આવ્યા હોય તેઓને હું તાત્કાલીક સયાજી હોસ્પિટલમાં સંપર્ક કરવા અપીલ કરૂં છું.
નિતીન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ પોઝિટિવ વ્યકિત બીજા વ્યક્તિને મળે તો ઝડપથી ફેલાય છે. જેના કારણે ગુજરાતમાં કોઇપણ જગ્યાએ મંદિર, મોલ, થિયેટર કે કોઇપણ જગ્યાએ લોકો ભેગા ન થાય તે માટે પગલા લેવાયા છે. સ્કૂલો, કોલેજો, સ્વીમીંગપુલ, મોલ બંધ કરાયા છે. જીવન જરૂરિયાત સિવાયની દુકાનો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૬૫ વર્ષની ઉપરની ઉંમરની વ્યક્તિઓ બને ત્યાં સુધી ઘરેથી ન નિકળે, અને લોકોમાં સંપર્કમાં ન આવે તેવી વિનંતી છે. રાજ્ય સરકાર કોરોના વાયરસ બાબતે ગંભીરતાથી કામગીરી કરી રહી છે. એરપોર્ટ પર પણ વિદેશથી આવતા લોકો પર પણ તપાસ કરવામાં આવે છે. અને હું દેશવાસીઓ સહિત વડોદરાવાસીઓને પણ આવતીકાલે અપાયેલા જનતા કરફયુનાં એલાનમાં જોડાઇ આ મહામારી સાથે લડવા અને તેને પરાસ્ત કરવા અપીલ કરૂં છું.