(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૯
હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેલી શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લેતી નથી.એક પછી એક ભોગનાર લોકો બહાર આવતા જાય છે.ભોગબનનાર વધુ ૧૪ લોકોએ હોસ્પિટલ સામે મોરચો માંડ્યો છે. એટલું જ નહીં છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે.
રિપોર્ટ અનુસાર, શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં પેકેજમાં સમાવીષ્ટ સુવિધાઓના નામે પડાવી લીધેલા લાખો રૂપિયાના ગોલમાલમાં ભોગ બનેલા વધુ ૧૪ વ્યક્તિઓએ પોણા બે કરોડ રૂપિયાની ઠગાઈના આક્ષેપ કર્યો છે. દિવાળીની રજાઓ દરમિયાન પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી છે. બીજી તરફ ભોગ બનનારાઓએ રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોપોરેશનને પણ લેખીતમાં ફરિયાદ આપતાં હવે ત્રણ મોરચે જંગ મંડાયો છે. આ લડતમાં ફરિયાદ આપનારા વ્યક્તિઓની સંખ્યા વધીને ૨૫ થઈ છે.
ભોગ બનનારાઓનું કહેવું છે કે, ડૉ. સોનિયા દલાલના નામે અમારી પાસેથી પૈસા ઉઘરાવ્યા છે. મેડિકલ સ્ટાફ એક જ પીપીઈ કીટ પહેરીને રાઉન્ડમાં નીકળતા હતા આમ છતાં દરેક પેશન્ટ પાસેથી અલગ-અલગ પૈસા ઉઘરાવ્યા છે. કોઈ પેશન્ટ વેન્ટીલેટર ઉપર હોય તેના નામે પણ લંચ અને ડિનરના પૈસા લીધા છે. એક્સ-રે જેવી સુવીધાઓ પેકેજમાં આવરી લેવાઈ હોવા છતાં અલગથી પૈસા વસૂલવામાં આવ્યા છે. આ પહેલા કોરોના મહામારીની વિકટ પરિસ્થિતીના દોરમાં સ્ટર્લિંગ હોસ્પિટલના મેનેજમેન્ટે પેશન્ટો પાસેથી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા તેવો આક્ષેપ આ હોસ્પિટલમાં જ ૨,૮૬૫ પેશન્ટની સારવાર કરનારા પલ્મોનોલોજીસ્ટ ડો.સોનિયા દલાલે કરતાં ખળભળાટ મચી ગયો હતો.ત્યાર પછી વિવિધ શહેરોમાંથી ૧૧ વ્યક્તિઓએ ગત સપ્તાહે પોલીસ કમિશનર કચેરીમાં હોસ્પિટલ મેનેજમેન્ટ સામે લેખિત ફરિયાદ આપી હતી.