(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૧
બરોડા ક્રિકેટ એસોસીએશનમાં સીલેકશન કમિટીમાં ચાલતી લાલીયાવાળી તથા વ્હાલાં દવલાંની નિતી સાથે રાજકારણનો ભોગ બનેલા વડોદરાનાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઇરફાન પઠાણે બરોડા ક્રિકેટ એસોસીએશનને અલવિદા કરવા બાદ હવે તે જમ્મુકશ્મીર ક્રિકેટ એસોસીએશન સાથે જોડાયો છે. આવનારી રણજી ટ્રોફી સીઝનમાં ઇરફાન પઠાણ જમ્મુ કાશ્મીરની રણજી ટીમમાંથી રમતો જોવા મળશે. સાથેજ નવા ખેલાડીઓનાં મેન્ટોર તરીકે પણ ઇરફાનની નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બીસીએમાં ચાલતા રાજકારણ અને સીલેકશન કમિટીની મનમાનીનો ભોગ બનતા ક્રિકેટર ઇરફાન પઠાણે બરોડા ક્રિકેટ એસોસીએશન છોડવાનો નિર્ણય કર્યો હતો. બીસીએ તરફથી અલગ રમવાની એનઓસી મળી ગયા બાદ ઇરફાન હવે ક્યાંથી રમશે તે ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે શુક્રવારે ઇરફાન કાશ્મીર પહોંચી જમ્મુકાશ્મીર ક્રિકેટ એસોસીએશન સાથે સત્તાવાર જોડાયો હતો. ઇરફાનની આગામી રણજી સીઝન માટે પ્લેયર કમ જોન્સેટ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આગામી સીઝનમાં તે જમ્મુ કાશ્મીરની ટીમ તરફથી રમતો જોવા મળશે. સાથેજ નવા ખેલાડીઓને તાલીમ આપી સક્ષમ બનાવવાની જવાબદારી પણ ઇરફાનને સોંપવામાં આવી છે.