તાંદલજાનો ઘાતક ઝડપી બોલર બાબા શફી પઠાણ દુબઈ રવાના

વડોદરા, તા.૪
આગામી દિવસોમાં યુ.એ.ઈ. ખાતે રમાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં વડોદરાના રણજી ખેલાડી અને તાંદલજા વિસ્તારમાં રહેતા બાબા શફી પઠાણની પસંદગી તથા તેના પરિવાર અને વડોદરાના ક્રિકેટ રસિકોમાં ખુશીની લાગણી ફેલાઇ ગયી છે. હાલમાં બાબા શફી પઠાણ બંગલોરની ટીમ સાથે પ્રેક્ટિસ બોલર તરીકે જોડાવવા રવાના થયો હતો.
વડોદરાની રણજી ટીમમાંથી ફાસ્ટ બોલર તરીકે રમી ચૂકેલા તાંદલજાના યુવાન બાબા શફી પઠાણ પોતાની ઘાતક ફાસ્ટબોલિંગ માટે જાણીતો છે. દુબઇ ખાતે રમાનાર આઇપીએલમાં બેંગ્લોરની ટીમની ફ્રેન્ચાઇઝ દ્વારા બાબા શફી પઠાણની પસંદગી કરવામાં આવી છે. હાલમાં બાબા શફી પઠાણ બેંગ્લોરની ટીમ સાથે પ્રેકટીસ બોલર તરીકે જોડાશે. ગુરૂવારે પસંદગીના સમાચાર બાદ બાબા પઠાણ બેંગ્લોરની ટીમ સાથે જોડાવા દુબઇ જવા રવાના થયો હતો.
બાબા શફી પઠાણની પસંદગીના પગલે તેના પરિવાર, મિત્રો તથા વડોદરાના ક્રિકેટ રસિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ભવિષ્યમાં બાબા પઠાણની પસંદગી ફાઇનલ ૧૧માં થાય અને તે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ તેને અને તેના પરિવારને મળી રહી છે.