(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
શહેરના અલગ અલગ બે સ્થળે વાહન અકસ્માતમાં બે બનાવો બનયા હતા. જેમાં ઇજા પામેલ બે વ્યકિતના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. અકસ્માત મોતનાં બનાવની કાર્યવાહી છાણી તથા વાડી પોલીસે શરૂ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજવા રોડ સરદાર એસ્ટેટ પાછળ આવેલ લક્ષ્મીનગરમાં રહેતા કનુભાઇ પુનમભાઇ નાયક (ઉ.વ.૫૫) ઓટોરીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઇકાલે રાત્રે તેઓ ઓટોરીક્ષા લઇને જીએસએફસી બ્રિજ પરથી પસાર થતા હતા તે વખતે ઓટોરીક્ષા અગમ્ય કારણોસર પલ્ટી મારી ગઇ હતી. જેમાં કનુભાઇ નાયકને શારીરિક ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે સયાજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા સારવાર ધરવામાં આવી હતી. દરમ્યાન કનુભાઇનું મોત નિપજ્યું હતું.અકસ્માત મોતનાં બનાવની પ્રાપ્ત વિગતોનુસાર ગાંધીનગર ગોકુલનગરમાં રહેતા મંદિરનાં પૂજારી આશિષભાઇ હિંમતસિંગ બહોણા (ઉ.વ.૨૪) ગઇકાલે આઇસર ટેમ્પામાં બેસી અમદાવાદ ગાંધીનગર જતા હતા તે વખતે કપુરાઇ બ્રિજનાં છેડા પાસે ઉભેલી ટ્રકની પાછળ ટેમ્પો ધડાકા સાથે ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં મહારાજ આશિષભાઇ બહોણાને ઇજાઓ થતા તેમનું મોત નિપજ્યું હતું.