(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીમાં આવેલી શ્રીજી અગરબત્તી કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.
મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી શ્રીજી અગરબત્તીમાં વહેલી સવારે ૪ઃ૦૦ ભીષણ આગ લાગી હતી. જેની જાણ ફાયર બ્રિગેડને થતા ૧૨થી ૧૫ જેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી જઇ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ કાબૂમાં આવી શકી ન હતી. સતત છ કલાક સુધી પાણી અને ફોર્મ નો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી.
અગરબત્તી બનાવતી આ કંપની બે માળની છે જેમાં પહેલા માળે આગ લાગી હતી અને અગરબત્તી બનાવવા નો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો આ જથ્થો જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ કાબૂમાં લેવાની મુશ્કેલી પડી હતી.
શ્રીજી અગરબત્તી કંપનીમાં લાગેલી ભીષણ આગને કારણે તેમાં કામ કરતી મહિલાઓ સવારની પાળીમાં કંપની ખાતે પહોંચી હતી ત્યારે આગ જોઈને મહિલા કામદારો રડી પડી હતી. આગને કારણે મહિલા કામદારો એક બીજાને સાંત્વના આપી નજરે પડી હતી.
ફાયર બ્રિગેડ સતત છ કલાક સુધી પાણી મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. આ આગ કેવી રીતે લાગી તેની સત્તાવાર જાણકારી મળી નથી પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.