(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૭
શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ અહેમદ રઝાનગર તોડી પાડયા બાદ ૧૦૦ ઉપરાંત પરિવારોને હજુ સુધી મકાનો નહીં ફાળવાતા તેમજ ભાડુ નહીં ચુકવાતા આજે અહેમદ રઝાનગરના વિસ્થાપીતો દ્વારા સેવાસદન કચેરી બહાર ધરણા કરી મ્યુનિસીપલ કમિશ્નરને રજુઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૭-૧૧-૧૬નાં રોજ નવાયાર્ડ વિસ્તારમાં આવેલ અહેમદ રઝાનગર વસાહતને સેવાસદન દ્વારા તોડી પાડવામાં આવી હતી. જેના પગલે ૧૦૦ જેટલા પરિવારો બેઘર બન્યા હતા. કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા વિસ્થાપીતોને ત્રણ મહિનામાં અન્ય સ્થળે મકાન ફાળવી આપવાની તેમજ ત્યાં સુધી ભાડુ ચુકવવાની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ૧૦૦ જેટલા પરિવારોને મકાનોની ફાળવણી તેમજ ભાડુ પણ ચુકવવામાં આવ્યું નથી. જેના પગલે અહેમદ રઝાનગરના વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે વિસ્તારનાં અગ્રણી તોહીદ આલમખાનની આગેવાનીમાં અહેમદ રઝાનગરના વિસ્થાપીતો મોટી સંખ્યામાં કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં અહેમદ રઝાનગરના રહીશો દ્વારા કોર્પોરેશન બહાર ધરણા કરી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે તાત્કાલીક અહેમદ રઝાનગર વિસ્થાપીતોને મકાનો ફાળવાય અને બાકી પડતું ભાડુ ચુકવાય તેવી માંગણી સાથે મ્યુનિ. કમિશ્નરે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.