(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૮
વડોદરામાં નવલખી મેદાન પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આજે સવારે રંગારંગ પ્રારંભ થયો હતો. આ પતંગ મહોત્સવમાં વિશ્વનાં ૧૬ દેશોનાં ૫૦ પતંગબાજો સહિત ભારતનાં વિવિધ રાજ્યોનાં ૩૯ પતંગબાજો ઉપરાંત સ્થાનિક ૮૦ પતંગબાજો મળી કુલ ૧૬૯ પતંગબાજોએ પતંગ ઉડાડવાની મજા માણી હતી.
અવનવા કદ, આકાર અને રંગોના પતંગો ઉડાડીને નવલખી મેદાનનાં આકાશને પતંગમય બનાવી દીધું હતું. ગુજરાત પ્રવાસન નિગમે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનાં સહયોગથી યોજાયેલા પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવતા ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષે જણાવ્યું હતું કે, હવાની અનુકૂળતા વગર પતંગ ઉડાડી બતાવે એજ કાબિલ પતંગબાજ કહેવાય છે. સીંગાપુર, યુકે, સ્પેન, તૂર્કી, શ્રીલંકા, રશીયા, નેધરલેન્ડ, ફ્રાન્સ, ન્યૂઝીલેન્ડ, ટયૂનીસીયા, યુક્રેન, વિયેતનામ વગેરે દેશોનાં ૫૦ પતંગબાજો ઉપરાંત કર્ણાટક, કેરલ, સિક્કીમ, બિહાર, લક્ષદીપ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશના ૩૯ પતંગબાજોએ અવનવી પતંગ ઉડાડી મજા માણી હતી.