(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૬
રેસ્ટોરન્ટ અને હોટલોમાં ફ્રાય (તળેલી) વસ્તુ બનાવવા માટે એકના એક તેલનો ઉપયોગ કરવા સામે પાલિકાના ખોરાક વિભાગે લાલ આંખ કરી છે. કેટલાક હોટલો અને રેસ્ટોરન્ટ આવા તેલનો ઉપયોગ કરતા હોવાની બાબત ધ્યાને આવતા આજે શહેરના પોશ એરીયાની જાણીતી રેસ્ટોરન્ટ અને હોટલ ચેઇન ખાતે પાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. ટીપીસી મશીન વડે તેલની ગુણવત્તા જાણી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અનેક હોટલો અને રેસ્ટોરન્ટમાં એકના એકના તેલનો ઉપયોગ કરી ફ્રાય (તળેલી) સામગ્રી ગ્રાહકોને પીરસવામાં આવે છે. નિયમ પ્રમાણે ટોટલ કોલર કપાઉન્ડ મશીનમાં તેલની ગુણવત્તાની માત્રા ૨૫ થી વધુ ન હોવી જોઇએ તેમ છતાં કેટલાક હોટલો-રેસ્ટોરન્ટ આવા તેલનો ઉપયોગ કરી રહ્યાં છે. જેના પગલે આજે પાલિકાની ખોરાક શાખાએ ઓપી રોડ, રેસકોર્સ, ચકલી સર્કલ, નટુભાઇ સર્કલ, ગેંડા સર્કલ વિગેરે વિસ્તારોમાં આવેલી જાણીતી ફ્રેન્ચાઇઝી રેસ્ટોરન્ટ અને હોટલમાં તપાસ હાથ ધરી હતી. મેકડોનાલ્ડ્‌ઝ, કેએફસી, પીઝાહટ, ભાઇલાલ શીવલાલ વિગેરે જેવા જાણીતા રેસ્ટોરન્ટ અને ફરસાણ વેચતા વ્યવસાયીકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં ટીપીસી મશીનથી રેસ્ટોરન્ટમાં તૈયાર થતા ખોરાકમાં તેની ગુણવત્તા ચકાસવામાં આવી હતી.