(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૯,
કોરોના વોયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વડોદરામાં દુબઇથી આવેલા દંપતિ સહિત પાંચ વિદેશીઓને સયાજી હોસ્પિટલ અને ગોત્રી જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેઓનાં કોરોના વાયરસની તપાસ માટેનાં જરૂરી નમૂના લઇને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
એક દંપતિ દુબઇથી વડોદરા આવ્યું છે. જેઓને ગોત્રી ખાતેનાં આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેઓનાં બ્લડ સહિતનાં સેમ્પલો તપાસ અર્થે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકાથી આવેલા એક વૃદ્ધ અને ૨૦ વર્ષીય યુવતિ તેમજ શ્રીલંકાથી આવેલ એક વૃધ્ધાને સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોનાં જણાવ્યા પ્રમાણે વિદેશથી આવેલા તમામ લોકોને માત્ર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે અને સાવચેતીનાં ભાગરૂપે તપાસ માટે જરૂરી નમૂના લઇ લેબમાં મોકલવામાં આવ્યા છે. આજે પણ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં શરદી, ખાંસીના અનેક દર્દીઓ તપાસ માટે આવ્યા હતા.