(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૬,
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ બેંકોના ૬ એટીએમને નિશાન બનાવી ૧૪.૮૨ લાખ ઉપરાંતની રોકડ રકમ લઇ ફરાર થઇ ગયેલ તસ્કરોને ઝડપી પાડવા શહેર પોલીસે અલગ-અલગ સાત ટીમો બનાવી તપાસ આરંભી છે. તસ્કરો ટોળકી બોલેરો જીપ જેવા વાહનમાં આવી ગેસ કટરથી એટીએમને તોડયા હતા. સીસીટીવી ફુટેજમાં આ તસ્કર ટોળકી કેદ થતા પોલીસે આ ફુટેજને આધારે તપાસ હાથ ધરી છે. આ તમામ એટીએમ કેન્દ્ર હાઇવેની નજીક હોવાથી તસ્કર ટોળકીના ચોરીના અંજામ આપી શહેરની બહાર ભાગી છુટી હોવાનું પણ પોલીસ અનુમાન લગાવી રહી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર ઉત્તરાયણની રાત્રે એટીએમ કેન્દ્રને નિશાન બનાવનાં તસ્કર ટોળકી સીસી ટીવી કેમેરામાં પોતાના ચહેરા ન આવે તે માટે બુકાની બાંધીને આવ્યા હતા. આ ટોળકીએ દરેક એટીએમ સેન્ટરનાં સીસી ટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા. તેમ છતાં એક એટીએમનાં સીસી ટીવી કેમેરામાં બુકાની ધારી ટોળકી કેદ થઇ ગઇ હતી. જેમાં ચાર થી પાંચ જણાં હોઇ એવું દેખાઇ રહ્યું છે. ગેસ કટરથી એટીએમને કાપી કેસબોકસમાંથી રોકડ રકમની ચોરી કરતી આ ટોળકી સીસી ટીવી કેમેરામાં ઝડપાઇ હતી.
એકજ રાતમાં છ એટીએમ તોડી તરખાટ મચાવનાર આ ટોળકીએ પોલીસની ઇજજતના ધજાગરા ઉડાવી દીધા છે. ઘોડા છુટયા બાદ તબેલાને તાળુ મારવા નિકળેલ શહેર પોલીસ અધિકારીઓએ ક્રાઇમ, એસઓજી સહિતના પોલીસ સ્ટાફની સાત વિવિધ ટુકડીઓ બનાવી તપાસ આરંભી છે. શહેરમાં અગાઉ આવી રીતે એટીએમ તોડનાર શખ્સોની પણ તપાસ આરંભી છે. આ ટોળકી પરપ્રાંતિય હોય અને ચોરીને અંજામ આપી શહેર છોડીને ફરાર થઇ ગઇ હોવાના અનુમાનને પગલે પોલીસે શહેરની બહાર આવેલ ટોલનાકાના સીસી ટીવી ફુટેજ પણ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. હજુ સુધી પોલીસને કોઇ નક્કર કડી હાથ લાગી નથી.