વડોદરા,તા.૧૮
ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિના પગલે સમગ્ર દેશમાં ચીનનો વિરોધ થઈ રહ્યો છે. આ સાથે ચીનની ચીજવસ્તુઓનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વડોદરા શહેરમાં વેપારી મંડળો સહિત વિવિધ સંગઠનો દ્વારા ચીનની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરતા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે આજે એનએસયુઆઈ અગ્રણી મિતેષ ઠાકોરની આગેવાનીમાં એનએસયુઆઈ અને શહેર યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારત-ચીનની ગલવાન બોર્ડર ઉપર થયેલી હિંસક અથડામણમાં શહીદ થયેલા ર૦ ભારતીય જવાનોના બદલામાં ચીનના ર૦૦ જેવાનોને મોતને ઘાટ ઉતારવાની માગ સાથે ખંડેરાવ માર્કેટ ખાતે ચીન વિરૂદ્ધના પ્લેકાર્ડ અને પોસ્ટર્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કાર્યકરોએ ચીનના વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રધ્વજની હોળી કરી હતી. પોલીસ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પ કાર્યકરોની અટકાયત કરી હતી.