વડોદરા,તા.૯
આજની યુવા પેઢી ક્યારે આવેશમાં આવી જઈ ક્યુ પગલું ભરી બેંસી છે, તેનો અંદાજો લગાવવો શક્ય નથી ત્યારે માંજલપુર વિસ્તારમાં ભાઈ સાથે રહેતા ર૪ વર્ષીય યુવક જેણે એમ.એમ. યુનિવર્સિટીમાંથી બીબીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમ.બી.એ પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ વિવિધ નામાંકિત કંપનીઓમાં ફરજ બજાવતો હતો. એમ.બી.એ સુધીનો અભ્યાસ કરનાર યુવકે ગત રોજ પોતાના ઘરમાં ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાય ગયો હતો. જોકે યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજી સુધી પોલીસ તપાસમાં જાણવા મળ્યું નથી.
બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સાઈકૃપા સોસાયટીમાં પોતાના ભાઈ સાથે રહેતો ર૪ વર્ષીય મોહનસિંહ રાજવિરસિંહ ભદોરિયાનો ભાઈ કામ અર્થે મધ્યપ્રદેશ ગયો હતો. દરમિયાન મોહનસિંહ ઘરમાં એકલો હતો ત્યારે એકા એક તેણે પોતાના ઘરમાં પંખાના હુંકમાં ઓઢણી વડે ગાળીઓ બનાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે બપોરે ૧ઃ૩૦ વાગ્યાના અરસામાં મોહનસિંહના પિતા ઘરે આવ્યા હતા. જેથી તેમણે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ પ્રતિઉત્તર મળ્યો ન હતો. થોડા સમય સુધી તેમણે સતત મોહનના મોબાઈલ પર ફોન કર્યા તેમ છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. છેવટે તેમણે ઘરના દરવાજોને ધક્કો મારી તોડી નાખ્યો હતો.
દરવાજો તોડી પિતાએ ઘરમાં નજર કરતા તેમનો ર૪ વર્ષીય પુત્ર પંખાના હુંક સાથે ગળે ફાંસો લટકી રહ્યો હતો. પુત્રને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા પિતા સ્તબ્ધ રહીં ગયા હતા. બનાવને પગલે માંજલપુર પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકના મોબાઈલ ફોનની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો તેની મોતનો ભેદ ઉકેલાય તેવી સંભાવના છે.જ્યારે બીજી તરફ શહેરના સયાજીપાર્કની બાજુમાં આવેલા અંબિકાદર્શન સોસાયટીમાં રહેતા કૃણાલ સુભાષરાવ ખંડાળે ગત રોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે બાપોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.