(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
ઇલેકટ્રીક એપ્લાયન્સ રીપેરીંગના ધંધા સાથે સંકળાયેલા ૨૧ વર્ષનાં હાથીખાનામાં રહેતા યુવાનને એ.સી. રીપેરીંગનું કામ કરતી વખતે ઇલેકટ્રીક કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના હાથીખાના પટેલ ફળિયામાં રહેતા અબ્દુલહુસેન ગજીયાવાલા (ઉ.વ.૨૧), અનિસ સર્વિસ સેન્ટરમાં ઇલેકટ્રીશ્યન તરીકે નોકરી કરતો હતો. ગઇકાલે ઇલેકટ્રીશ્યન અબ્દુલહુસેનને નાગરવાડા એમ.ઇ.એસ.સ્કુલ સામે વોલ્ટાસ કંપનીનાં એ.સી. રીપેરીંગનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેથી તે ઓર્ડરનાં ભાગરૂપે અબ્દુલહુસેન એ.સી. રીપેરીંગ માટે આવ્યો હતો. જ્યાં તે એ.સી. રીપેરીંગ કરતી વેળાએ તેને કોઇ કારણસર ઇલેકટ્રીક શોર્ટ લાગ્યો હતો. ઇલેકટ્રીક શોર્ટનાનાં જોરદાર ઝાટકાથી તે ફેંકાયો હતો અને બેભાન બન્યો હતો. આ બનાવને પગલે અબ્દુલહુસેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યો હતો. અકસ્માત મોતના બનાવની જાણ કારેલીબાગ પોલીસને કરવામાં આવી હતી.